મંગળવાર, 17 મે, 2016

ચકચાર કરે...

માણસ તો માણસ છે, બસ ચકચાર કરે;
પંખી પાસે ન શીખે, જેઓ મંત્રોચ્ચાર કરે.

લાગણી લાગણી રમે છે શરૂઆતમાં માણસ;
ને પછી માગણી માગણી રમી લાચાર કરે.

એમ તો અઢી અક્ષરને કહેતા કેટલી વાર?
કહેવું કે ન કહેવું? કહેતાં બહુ વિચાર કરે.

વા વાયો અને ક્યાંક નળિયું જો સહેજ ખસ્યું;
નાની વાતનાં ય મોટા મોટા સમાચાર કરે.

કદી ન બોલાવશો સનમને મારી મૈયતમાં;
એનો સ્પર્શ છે જ એવો જે પ્રાણ સંચાર કરે.

ઓ ખુદા તારી ખુદાઈને આ તે શું થયું છે?
તું નથી ક્યાંય ને કેમ સૌ તારો પ્રચાર કરે?

ઇશ્કની મીઠી મીઠી વાત ન કર નટવર હવે;
ફાની જહાંમાં ક્યાં કોઈ સાચો પ્યાર કરે છે?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું