ગુરુવાર, 19 મે, 2016

ઇબાદત...

લાગે ભલે સાવ નાની, મોટી બાબત કરી લઉં છું;
એક રડતા બાળને હસાવી ઇબાદત કરી લઉં છું.

કોણ જાણે કયા રૂપમાં ભગવાન ભટકાય અહીંયાં!
જે મળે સામે એ હરેક સાથે ચાહત કરી લઉં છું.

રહ્યો દિલદાર જનમથી જ ને રહીશ એવો સદા;
જગા જો મળે કોઈ દિલમાં,રિયાસત કરી લઉં છું.

નથી ડરતો કદીય હોય જે સાચું એ કહેવા કોઈને;
ખુદ ખુદાનેય એની જ શિકાયત કરી કરી લઉં છું.

દિલ તો બદમાશી કરી લે, દિલ પર કાબુ કોનો?
અવગણી દિલને ક્યારેક હું શરાફત કરી લઉં છું.

યાર દોસ્તની યારી પણ ચકાસતા રહેવું પડે છે;
ક્યારેક જિગરી સાથે પણ અદાવત કરી લઉં છું.

સમય સમયનું કામ કરે,છો વધે સમય સાથે વય;
રાખવા હૈયાને યુવા સુંવાળી શરારત કરી લઉં છું.

જિંદગી છે જ નટખટ, રિસાય જાય વાત વાતમાં;
સમજાવી, પટાવી, મનાવી યથાવત્ કરી લઉં છું.

એમ તો બહુ લાખેણી છે મારી લીલીછમ લાગણી;
જો કોઈ દિલથી માંગે તો હું કિફાયત કરી લઉં છું.

લખતા નથી આવડ્યું નટવરને લખવા જેવું હજુ ય;
બસ ક્યારેક શબ્દો સાથે થોડી કરામત કરી લઉં છું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું