શનિવાર, 27 ફેબ્રુઆરી, 2016

હશે...

ક્ષણ એ પણ કેટલી ય ભીષણ હશે?
આયનામાં એક દિ અજાણ્યો જણ હશે.

તમે મને ભલે વીસરવાનો દાવો કરો;
ને તો ય હર પળ મારું જ સ્મરણ હશે.

જવું હોય તો કોણ રોકી શકશે તમને?
તમારા જવાનુંય કોઈક તો કારણ હશે.

સાવ અજનબી ય બની જાય છે નબી;
જરૂર ભવોભવનું કોઈક સગપણ હશે.

જળ ઝાંઝવાંના છલકાયા છે બન્ને કાંઠે;
ડૂબી ગયું એમાં એ તો પ્યાસું હરણ હશે.

જરાક ઝાંકીને જુઓ ખુદમાં યાર મારા;
અંદર ક્યાંક તો સંતાયેલ બચપણ હશે.

કવિતા નટવર ક્યાં સાવ ઠાલા શબ્દો છે?
જરૂર લાગણીનું એમાં ય અવતરણ હશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું