શનિવાર, 14 નવેમ્બર, 2015

ભાનમાં...

કરી ઘણી કોશિશ તો ય નથી આવ્યો હું ભાનમાં;
આપ્યા જ્યારથી સપનાઓ એમણે મને દાનમાં.

શોધતા શોધતા એને હું જ ખોવાયો ભવાટવીમાં;
દરબદર શોધ્યા રાખું હું જ મને મારા મકાનમાં.

પાગલ પ્રેમી છે કે છે કે છે કોઈ આશિક દિવાનો ;
ગુસપુસ વાતો કરતો રહે છે જે દીવાલનાં કાનમાં.

કર્યો પહેલો કોયલે ટહુકો, કલાપીએ કર્યો કેકારવ;
આખેઆખો વગડો સાંભળીને આવી ગયો તાનમાં.

કહેવા જેવું કંઈ જ નથી રહ્યું તો શું કહેવું હવે મારે?
સમજનારા સૌ સમજદાર છે,સમજી જશે સાનમાં.

દંગા ફસાદ થયા આજે શહેરની હર ગલી ગલીમાં;
છે રોજ કરતા વધુ દર્દને દુઆ મુલ્લાની અજાનમાં.

હતા હયાત ત્યારે હાંકી કાઢ્યા હતા ઘરડાઘરમાં;
હવે એ જ મા-બાપની છબી રાખે એ દેવસ્થાનમાં.

થોડી કવિતાઓ શું કહી મેં એમના રૂપ વિશે,યાર;
હવે ઓળખતા નથી મને, આવી ગયા ગુમાનમાં.

નથી લખતો હું મારા માટે,  ન લખું તમારા માટે;
લખતો રહ્યો,  લખતો રહીશ શબ્દોનાં સન્માનમાં.

જે કંઈ બાકી રહ્યા થોડા શ્વાસ ઉચ્છવાસ નિશ્વાસ;
જીવવા કાજ નાદાન નટવર ચૂકવે એ લગાનમાં.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું