શનિવાર, 14 નવેમ્બર, 2015

મઠારી છે...

ઘરની દિવાલ પરથી એમણે તસવીર મારી ઉતારી છે;
હળવે હળવે કમસીન ચહેરા પરથી ઉદાસી નિતારી છે.

કહેવું તો ઘણું છે એમણે મને, ને મારે પણ એમને ઘણું;
મનોમન અમે બન્નેએ ઘણી વાતો સરખી જ વિચારી છે.

જિંદગી એમની કેવી વીતતી હશે એ તો એઓ જ જાણે;
મેં તો એમનાં સપનાંઓથી જ જિંદગી મારી નિખારી છે.

કેટલાંને આપશે?કેટલું આપે?ભગવાનને સમજાતું નથી;
એનાં મંદિરે આવતો હર ભક્ત એક સુધરેલ ભિખારી છે.

સવારે સવારે કદમ મારા લડખડાય છે તો માફ કરશો;
રાત આખી મેં મયકદામાં ખાલી જામ સાથે ગુજારી છે.

તને હેતથી ભેટતા મને ડર નથી લાગવાનો યાર મારા;
યાર છું તારો, મને એ જાણ છે  હાથમાં તારા કટારી છે.

કોને માટે લખી હતી, લખાવી હતી આ જિંદગી ખુદાએ?
અને હકીકતમાં કોના કોના ખાતે છેવટે એને ઉધારી છે?

હર કદમ પર ઠોકરો ખાતો રહ્યો છે નટવર જિંદગીભર;
દોસ્તો તમે શું જાણો,જિંદગીને મેં કેવી રીતે મઠારી છે?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું