શનિવાર, 14 નવેમ્બર, 2015

અસરમાં...

જ્યારથી આવી ગયો છું ઇશ્કની અસરમાં;
ભૂલો પડી જાઉં વારંવાર મારા જ ઘરમાં.

ન પૂછ તું મને કેમ છે, જેમ છું એમ જ છે.
કંઈ નવાજૂની નથી રહી હવે તો ખબરમાં.

એ જ રસ્તો,એ જ રાહગીર અને એ જ હું;
રસ્તો પણ મારી સાથે રહે સદાય સફરમાં.

જ્યાં જોઉં ત્યાં મને તું જ દેખાયા રાખે છે;
કરી કોઈ જાદુ તું વસી ગઈ મારી નજરમાં.

પુષ્પ પાથર્યા હતા જેના પગલે પગલે મેં;
એ જ  વેરી ગયા કંટકો મારી હર ડગરમાં.

શાયદ એ આવે ય ખરી ચાદર ચઢાવવા;
નિહાળવા એક બારી રાખશો મારી કબરમાં.

આ માણસ પણ સાવ ન સમજાય એવો છે;
ઠોકર મારી માણસને શ્રદ્ધા રાખે પથ્થરમાં.

આમ તો સાવ સહેલો છે તોય ઉકેલ નથી;
મરમ જિંદગીનો સમાયો છે અઢી અક્ષરમાં.

હું મને જ મળતો નથી તો તને કેમ મળું ?
લાગે છે હવે નટવર ખોવાયો છે નટવરમાં.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું