શનિવાર, 14 નવેમ્બર, 2015

ક્યાં સુધી?

વિસ્તર્યું છે નરી એકલતાનું રણ ક્યાં સુધી?
જળ ઝાંઝવાનું પીતું રહેશે હરણ ક્યાં સુધી?

તમારા ચહેરા પર આવતી જતી એક લટ;
કહો,રહેશે એ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ ક્યાં સુધી?

તમને યાદ કરતા કરતા મને જ હું વીસર્યો;
તમે સનમ,કરશો મારું વિસ્મરણ ક્યાં સુધી?

ન તો અજાણ્યા રહ્યા ન કદી જાણીતા થયા;
આપણી વચ્ચે શરમનું આવરણ ક્યાં સુધી?

તમારા વિના જિવાતું હોય તો જીવન કેવું?
શ્વાસે શ્વાસે નિકટ સરકતું મરણ ક્યાં સુધી?

દૂર રહીને પાસ રહો,પાસ હો તો દૂર લાગો;
ચાલતા રહેશે થાકેલ મારા ચરણ ક્યાં સુધી?

પાઠ પ્રેમનાં શીખતા નથી શિખાતા ઓ સનમ;
વાંચવાનું રહેશે કોરું પ્રેમ પ્રકરણ ક્યાં સુધી?

ન સમજાઈ કદી, ન સમજાવી શક્યો કદી હું;
જકડી રાખશે   માયાનું વળગણ ક્યાં સુધી?

હોશિયારી નટવરની કોઈ જ કામ ન આવી;
છેતરતું રહેશે સાવ જાણીતું જણ ક્યાં સુધી?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું