શનિવાર, 14 નવેમ્બર, 2015

રજૂઆત કરીશ...

જે તમને ગમે સનમ, હું એવી જ વાત કરીશ;
તમે એક પળ આપો,તમારે નામ જાત કરીશ.

તમે જ્યાંથી છેડો ફાડ્યો લીલીછમ લાગણીનો;
માનો યા ન માનો,  હું ત્યાંથી શરૂઆત કરીશ.

વીણીશ હર કંટકો તમારા રાહમાંથી પાંપણોથી;
તમારા પગલે પગલે હું ફૂલોની બિછાત કરીશ.

સૂરજ મારી સવારનો ઊગશે તમારી આંખોમાં;
તમારા ઘૂંઘરાળા કેશની છાંવમાં  રાત કરીશ.

તૂફાન તો આવતા જતા રહેશે જિંદગીમાં સદા;
સાથ તમારો મળે, આબોહવા સમઘાત કરીશ.

રૂબરૂ મળો ન મળો, મારી સાથે ભળો ન ભળો;
શું ફેર પડશે? હરેક સપનાંમાં મુલાકાત કરીશ.

બસ,જો તમે માણતા રહેશો નટવરની નજમો;
હર હાલમાં,રોજબરોજ હું એની રજૂઆત કરીશ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું