શનિવાર, 14 નવેમ્બર, 2015

સમાચાર...

ઝાડ પર જે  છેલ્લું હતું એ પાન ખર્યાના સમાચાર છે;
પર્ણવિહિન વૃક્ષ હજુ પણ જીવતું રહ્યાના સમાચાર છે.

ખુદા જેવો ખુદા ય આજકાલ સાવ લાચાર થઈ ગયો;
પામર માનવે મંદિરમાં એને કેદ કર્યાના સમાચાર છે.

દરિયો ઇશ્કનો તરવા નીકળ્યો હતો અદનો ઇન્સાન;
કોઈની આંખોનાં ઝીલમાં ડૂબી મર્યાના સમાચાર છે.

ગામ આખેઆખું આજે તો હિલોળે ચઢ્યું છે યાર મારા;
એક ષોડશીના દામનથી પાલવ સર્યાના સમાચાર છે.

આવતી નથી હેડકી, આવે તો સહેજે જતી નથી કદી;
વીસરવાની કોશિશમાં કોઈએ સ્મર્યાના સમાચાર છે.

આલમ- એ- તન્હાઈની પણ કેવી મંજિલ આવી ગઈ?
ખુદના  પડછાયાથી એકલતામાં ડર્યાના સમાચાર છે.

ગયો હતો મયખાને નટવર થોડાંક ગમને ભુલાવવા;
જેવો ગયો હતો એવો  જ પરત ફર્યાના સમાચાર છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું