સોમવાર, 7 સપ્ટેમ્બર, 2015

એ વિચારી જોજે દોસ્ત...

જીતેલી બાજી તું એક વાર હારી જોજે દોસ્ત;
બોજ જીતનો સહજતાથી ઉતારી જોજે દોસ્ત.

મૌન પણ કેટલું બોલકું હોય છે કોઈ કોઈનું;
આંખોથી દિલમાં એ અર્થ ધારી જોજે દોસ્ત.

થતા થતા કોઈ નથી થઈ જતું આટલું પ્યારું;
કેમ થઈ જાય પ્યારું?એ વિચારી જોજે દોસ્ત.

માણે તો જિંદગી પણ એક કવિતા જ છે ને?
પ્રાસ છંદ જિંદગીનો ય તું મઠારી જોજે દોસ્ત.

મળી જશે શોધશે તો કોઈક બીબું તને પણ;
લાગણી ક્યાંક તું ય તારી ઠારી જોજે દોસ્ત.

સપનાઓ એમને એમ નથી આવતા કોઈના;
ઉજાગરો ય કોઈના નામે ઉધારી જોજે દોસ્ત.

લખતા લખતા એમ જ નથી લખાતું નટવર;
અક્ષરેઅક્ષરમાં ખુદને તું નિતારી જોજે દોસ્ત.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું