સોમવાર, 7 સપ્ટેમ્બર, 2015

મહેફિલ જમાવીને...

ઉપર આભ અને નીચે ધરા સજાવીને;
બેઠો છું હું પણ હવે મહેફિલ જમાવીને.

કેવી રીતે બતાવું એમને એમનું નામ?
સંતાડ્યું છે મેં દિલ પર એ લખાવીને.

જેમણે મને પીંખી નાંખ્યો જિંદગીભર;
એ જ ઉતારી ગયા જનાજો સજાવીને.

ભગવાને કેવો બનાવ્યો આ માણસ?
પોરસાય છે હવે એ ખુદાને બનાવીને.

છે એ સર્વવ્યાપી તો ય નજર ન આવે;
ક્યાં સંતાયો છે ખુદા ખુદને છુપાવીને ?

કરી દીધો છે કેદ મને મલાખી આંખોમાં;
કહેતા નથી  એ ક્યાં સંતાડી છે ચાવીને.

વાયદો મળવાનો એમ કર્યો પૂરો એણે;
ચાલ્યા ગયા તરત સપનાંમાં એ આવીને.

ન જાણે કયા રૂપમાં પ્રભુ મળી જાય !
સહુને મળું હું તો યાર,  શિર નમાવીને.

થોડી વાહ વાહ મળી, થોડી આહ મળી;
નટવરે જોઈ લીધું લાગણીઓ વટાવીને.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું