સોમવાર, 7 સપ્ટેમ્બર, 2015

વજન લાગે છે...

ખામોશીનું પણ હવે થોડુંક વજન લાગે છે;
તારી યાદમાં આ તન્હાઈ સ્વજન લાગે છે.

ફરકાવ્યો છે તેં ત્યાં તારો સપ્તરંગી પાલવ;
અને અહીં હવામાં એનાં જ સ્પંદન લાગે છે.

જીવી રહ્યો છું હું ય સર્વ સુખો વચ્ચે અહીં;
તો ય તારા વિના ક્યાં મારું મન લાગે છે ?

ગામની યાદ દિલમાં મારા એવી તો વસી છે;
આ પરદેશની ભૂમી હવે મને વતન લાગે છે.

સાંભળજે જરા કાન દઈને ધ્યાનથી તું એને;
દિવાના દિલમાં મારા તારી ધડકન લાગે છે.

તારા ખયાલોની કેવી છે માયાજાળ સનમ ?
ધગધગતા સહરામાંય મને ઉપવન લાગે છે.

શ્વાસ લેવાને ને છોડવાને જો જીવન કહેવાય;
તારા વિના જીવન મને હવે દમન લાગે છે.

મિત્રો પૂછે શું છે નટવરની નાહક કવિતાઓ ?
કેવી રીતે સમજાવું? એ તારું મનન લાગે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું