રવિવાર, 23 ઑગસ્ટ, 2015

વખત નથી...

એમ તો સાવ નાની છે, મોટી બાબત નથી.
કારોબાર-એ-ઇશ્કમાં કોઈ જ બરકત નથી.

કંઈક લેવા કંઈક તો આપવું પડતું હોય છે;
સસ્તું કે મોંઘું,અહીં તો કંઈ પણ મફત નથી.

જેના પર જિંદગી આખી વારી દીધી મેં તો;
ને મારા પર હજુ ય એની કોઈ રહમત નથી.

ગીતા, કુરાન ને બાઈબલ ઉથલાવી નાંખ્યા;
માધવ,મહમદ,ઇશાના ક્યાંય દસ્તખત નથી.

ઇશ્ક છે તો દિલ આપી દીધું મેં મારું એમને;
દિલ એનું આપે મને, એવી કોઈ શરત નથી.

પ્રેમથી મળું, સ્નેહથી સ્મરું, કોઈના પર મરું;
આ સિવાય મને અન્ય કોઈ બૂરી લત નથી.

તમારી સામેથી નહીં, જિંદગીમાંથી ય જઈશ;
એક વાર કહી દો, મારી કોઈ જ જરૂરત નથી.

જેને માટે જાગી જાગીને લખતો રહ્યો નટવર;
હાય રે કિસ્મત, એને વાંચવાનો વખત નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું