રવિવાર, 23 ઑગસ્ટ, 2015

ડોસાએ ડોસીને કીસ કરી...

જિંદગીની બધી ફિકર ચિંતાને ટાંય ટાંય ફીસ કરી;
ચોકઠું કાઢીને બોખાં મોંએ ડોસાએ ડોસીને કીસ કરી.

ખોવાયા ખુદનાં ચશ્મા તો ડોસાએ પહેર્યા ડોસીના;
ડોસીએ ડોસાની આંખે જ સપનાં જોવાની વિશ કરી.

હૅન્ડસમ દેખાવા દાઢી કરતાં ડોસો થઈ ગયો જખમી;
જોઈ એ જખમ ડોસા કરતા ડોસીએ મોટ્ટેથી ચીસ કરી.

ડોસી જરાક જો ગઈ છોડી ડોસાને કદી પ્રભુ દર્શને;
બિચારાં ડોસાએ તો એ હરેક પળે ડોસીને મિસ કરી.

ડોસીએ ડોસાને ન બોલાવ્યો સવારે સવારે એક દિ;
ડોસાએ પણ દિ આખો લઈ અબોલા મીઠી રીસ કરી.

ડોસે પૂછે છે ડોસીને દીકરો આપણો કેમ ભૂલી ગયો?
આપણે તો એની દિલ- ઓ- જાનથી પરવરિશ કરી.

થઈ ગયા જે એકબીજાના ન થયા કદીય એ અલગ;
દુનિયાએ ડોસા ડોસીને જુદા કરવા ઘણી સાજીસ કરી.

હતો એવો સદાબહાર પ્રેમ ડોસા ડોસીનો, થાય ઈર્ષા;
નટવરે પણ એવો પ્યાર કરવાની સદા ખ્વાહિશ કરી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું