રવિવાર, 23 ઑગસ્ટ, 2015

લહાણી...


ખુદાએ જે કંઈ આપ્યું મને એની કરી છે લહાણી;
જિંદગી એવી રીતે જીવ્યો જાણે હર પળ ઉજાણી.

બહુ સાચવીને રાખ્યા આંસુને આંખની તિજોરીમાં;
છે ભલે એ નમકીન, બહુ કિંમતી છે આંસુનું પાણી.

સમજાતા સમજાતા જ એ સમજાય છે સહુ કોઈને;
જિંદગીમાં ઇશ્ક નથી કર્યો,જીવન એનું ધૂળધાણી.

રાહ-એ-જિંદગી ત્યારે જ આસાન થઈ જાય સનમ;
હર કદમ પર જો હાથમાં મારા હોય તમારો પાણિ.

સહુ જાણીતાંઓએ એટલો ઠગ્યો છે સર- એ- રાહ;
હવે મને પ્રિય લાગે વ્યક્તિ હોય જે સાવ અજાણી.

સમજવાનું ન સમજે એ કદી, ન સમજવાનું સમજે;
ને કહેવાય એ ચતુર,આ માનવી છે વિચિત્ર પ્રાણી.

લખતા લખતા કેવી લખી છે ભગવાને આ વાર્તા?
હર કોઈ જિંદગી જાણે છે એક અધૂરી પ્રેમકહાણી.

દરદ-એ-દાસ્તાં પણ નટવર કેવાં કેવાં રંગે લાવે?
હતું જેમાં વધુ દર્દ, એ જ કવિતા મેહફિલે વખાણી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું