રવિવાર, 12 જુલાઈ, 2015

નડે છે...

જિંદગીમાં જેની બહુ જરૂરત પડે છે;
વખત જતા એ જ કમબખ્ત નડે છે.

જીવતો રહી ગયો એથી હું એ જાણું;
સનમ, ઝેર જુદાઈનું કેટલું ચડે છે.

હું જેમ તેમ આમ તેમ જીવી લઇશ;
મારા વિના જિંદગી તને પરવડે છે?

હસતો રહ્યો ભરી મહેફિલમાં હરદમ;
એ જ ન જોયું કોઈએ ભીતર રડે છે.

નથી દોષ મયનો કે નથી સાકીનો;
કદમ ક્યારેક અમસ્તાં જ લથડે છે.

તું લખાવે છે એટલે લખતો રહ્યો હું;
બાકી મને ય લખતા ક્યાં આવડે છે?

રોજબરોજ રાતવરત ફંફોસું હું મને;
મારી રગ રગમાં તું જ મને જડે છે.

એક દિ તો હુંય જીતી જઈશ જંગમાં;
ખુદ સાથે જ નટવર હર ઘડી લડે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું