ગુરુવાર, 18 જૂન, 2015

એક દિલ મળે...

કાશ મને પણ એક એવી કોઈ મંજિલ મળે!
જ્યાં મારે નામે જ ધબકતું એક દિલ મળે.

જમાનો ય બહુ ખરાબ આવી ગયો છે યાર;
હવે તો સપનાં જોવાનું ય સાલુ બિલ મળે.

કરું કેવી રીતે નજારો એનાં હસીન હુસ્નનો?
એનું ચોકી કરતું એનાં ગાલે તો ખીલ મળે.

હસતા રમતા ડૂબી જાઉં હું એમાં સદા માટે;
કોઈ આસમાની આંખોનું છલકાતું ઝીલ મળે.

બને તો દુઆ કરજે દોસ્ત તું ખુદને માટે જ;
મળી મને એવી તને ન સનમ બુજદિલ મળે.

બેઠો છું યુગોથી વાત દિલની દિલમાં સંઘરી;
દઈ ધ્યાન એ સાંભળે એવો કોઈ ખલીલ મળે.

રહસ્ય મારા હાસ્યનું ન પૂછ તુ દોસ્ત વારંવાર;
ધ્યાનથી જો, મારી આંખમાં તને સલિલ મળે.

જાઉં તો જાઉં તો ક્યાં આ દુનિયા છોડીને હું?
હર જગા યાર, મને તન્હાઈભરી મહેફિલ મળે.

લખાય છે જ્યારે એકાદ કવિતા આમ નટવર;
લાગે ત્યારે મારા ડૂબતા ખયાલોને સાહિલ મળે.

[ ખલીલ= દોસ્ત, મિત્ર; સંદર્ભઃ ગુજરાતી લેક્સિકોન, અહીં એક આડવાત, ખલીલ ધનતેજવીજી, કેટલું ઉમદા નામ!! મારા પ્રિય કવિ છે. ]

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું