ગુરુવાર, 18 જૂન, 2015

આસાન એ રસ્તો નથી...

આયનામાં હું જ છું, પણ એમાં હું વસતો નથી;
ઠગ્યો છે મેં એને, નિહાળી મને એ હસતો નથી.

તરબતર થવું છે મારે ય બહારથી અંદર સુધી;
સ્નેહ એમનો ય હવે પહેલાં જેવો વરસતો નથી.

અટકી ગયો મારો સમય પણ એમના જવાથી;
હું જો થઈ ગયો સ્થિર તો એ પણ ખસતો નથી.

નાજુક હોય લીલીછમ લાગણીના તાણાવાણા;
શાયદ તૂટી જાય તો, હું એને બહુ કસતો નથી.

સમજદાર થઈને એઓ ન સમજી શક્યા કદીય;
છે ઇશ્ક મારો ભવોભવનો, સાવ અમસ્તો નથી.

સાકીએ એક જ વાર નજરથી પિવડાવ્યું મને;
પ્યાસો રહી ગયો છું,તોય હું બહુ તરસતો નથી.

ન માંગ્યું તો ય મેં આપી દીધું દિલ મારું એમને;
બદલામાં કંઈ આપવું,એ એમનો શિરસ્તો નથી.

થઈ જાય ભૂલ તો મને માફ કરી દે જે તુ દોસ્ત;
સીધો સાદો માણસ જ છું, હું કંઈ ફિરસ્તો નથી.

હર ડગર પર, હર કદમ પર સાચવજે નટવર;
છે કઠિન રાહ-એ- ઇશ્ક, આસાન એ રસ્તો નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું