ગુરુવાર, 18 જૂન, 2015

કોઈ રડે છે?

બહુ સાચવી સાચવી ચાલે, એ એક દિ પડે છે;
હર કદમ પર સાલી સાવચેતી ય કદી નડે છે.

એમ તો એ થાકતો નથી, એ કદી હારતો નથી;
પડછાયો મારો મારાથી જ અલગ થવા લડે છે.

કહેવાય એમ તો છે ઈશ્વર અલ્લાહ સર્વ વ્યાપી;
તો ય દર દર ભટકતા ય એ ક્યાં કદી જડે છે ?

માન યા ન માન યાર,ટાંકણું કાળનું છે ધારદાર;
માણસને ધીરે ધીરે એ નવા નવા રૂપમાં ઘડે છે.

સંતુરની જેમ રણઝણતો રહું છું હું ક્યાં ય સુધી;
જ્યારે સુંવાળી કરાંગુલિઓ તનને મારા અડે છે.

થોડી માટી તો સાથે રહેવાની ગમે એ કરો તમે;
એક છોડ જ્યારે મૂળ સોતો જમીનથી ઊખડે છે.

આપણી આ જિંદગી તો એક મહેફિલ છે નટવર;
હસતા રહેવું પડે,મહેફિલમાં ય ક્યાં કોઈ રડે છે?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું