ગુરુવાર, 18 જૂન, 2015

કોણ છું હું કહી દો...

કોણ છું હું કહી દો, તમને એ જાણ છે;
બાકી મને ય ક્યાં મારી ઓળખાણ છે?

હલેસા હૈયાનાં માર્યા તોય ન ડગ્યું એ;
રેતીના સાગરમાં જિંદગીનું વહાણ છે.

રાહ- એ- ઇશ્ક પર સાચવીને ચાલશો;
આગળ એ રસ્તે હવે કપરું  ચઢાણ છે.

હું તમને ચાહતો રહું એ હક છે મારો;
તમે ય મને ચાહો એવું ક્યાં દબાણ છે?

માંગો તો બધું જ મળી રહેશે અહિંયાં;
બસ લીલીછમ લાગણીની જ તાણ છે.

કહેવા જેવું ન કહી શક્યો હું મહેફિલમાં;
એક માસૂમ નજરની મને ય આણ છે.

કેવી રીતે માપશો સનમ,મારા ઇશ્કને;
ઇશ્ક ઇશ્ક છે, એનું ક્યાં કોઈ પ્રમાણ છે?

નથી લખતો નટવર  કદી
પણ આડું તેડું;
ઊતરે દિલમાં, સોંસરવું એનું લખાણ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું