ગુરુવાર, 18 જૂન, 2015

તમારું નામ છે...

જિંદગીના પાને પાને તમારું નામ છે;
તમે નથી લખ્યું તો કોનું એ કામ છે?

બેઠો રહું છું મયખાને સાવ એકલો હું;
કહે સાકી, કેમ ખાલી મારું જામ છે?

બદકિસ્મતી કે ન સમજાવી શક્યો હું;
છે જે ઇશ્ક એ જ જિંદગીમાં તમામ છે.

મશહૂર થવાની એ જ સજા મળી મને;
નામ મારું હવે તો સાવ ગુમનામ છે.

અટકી ગયો સમય પણ મારી સાથે;
જાણે એનો ય આ આખરી મકામ છે.

કોને માટે લખું છું અને કોણ એ વાંચે?
મારો ય ક્યાં કોઈ મોઘમ પયગામ છે?

ચાહ્યો છે મીરાંએ માધવને બીનશરતે;
એ જાણતી જ હતી, રાધાનો શ્યામ છે.

બસ એક અમસ્તું દિલ સહજ તૂટ્યું છે;
એનો જહાંમાં શેને આટલો કોહરામ છે?

બસ લખતો રહે છે નટવર આમ તેમ;
કંઈ ખાસ નથી,આદમી એ ય આમ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું