રવિવાર, 5 એપ્રિલ, 2015

આન રાખે...

આન રાખે,  શાન રાખે,  મારું એ માન રાખે;
ઇશ્ક એનો એવો,મને સદાકાળ યુવાન રાખે.

ઊડતો રહું છું સાવ હળવો થઈ મસ્તીથી હું;
એની નીલી નીલી આંખોમાં આસમાન રાખે.

ન ભરતી આવે એમાં, ન આવે ઓટ કદી ય;
સુખદુઃખમાં, નિશ દિન સ્નેહ એ સમાન રાખે.

એમ તો મારી પાસેય છે તીર જે ઘાયલ કરે;
મારા સૌ તીરની એની પાસે એ કમાન રાખે.

આજકાલ આ માણસ બહુ હુંશિયાર થઈ ગયો;
ભલે હોય તલવાર બે, એક જ એ મ્યાન રાખે.

એવા મયકશો સાથે બેસીને મજા છે પીવાની;
જામ જામ પર પીધા પછી ય જરા ભાન રાખે.

જરૂર નથી પડવાની દુશ્મનોની મને કદી યાર;
દોસ્તો મળ્યા એવા જે મને સદા પરેશાન રાખે.

ઈશ્વર, અલ્લા તને હું એ  દિવસે નમન કરીશ;
જ્યારે ભક્ત મસ્જિદે ગીતા, મંદિરે કુરાન રાખે.

આ નાદાન નટવર પણો ખરો આશાવાદી છે;
જે કદી પુરા નથી થવાના એવા અરમાન રાખે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું