રવિવાર, 5 એપ્રિલ, 2015

વળાંક આવ્યો...

રાહ-એ-ઇશ્ક પર આ કેવો વળાંક આવ્યો?
ન હતો દોષ મારો તોય મારો વાંક આવ્યો.

રોજ રાતે ખોલીને બેસું છું સપનાની દુકાન;
રાતભર જાગ્યો, એક પણ ન ઘરાક આવ્યો.

એના ઇશ્કની આ ય કેવી અજબ અસર છે?
ગમ-એ-ઇશ્ક સજીધજીને ફૂલફટાક આવ્યો.

ખુદાય કરી કરીને કેટલાનું ભલું કરી શકશે?
એના દરબારે જે આવ્યો એ નાપાક આવ્યો.

મહેફિલ સજાવીને બેઠો હતો હું ય છડેચોક;
હર કોઈ ગમ-એ-મહેફિલમાં અવાક આવ્યો.

દરિયોભરીને પ્યાર કર્યો એમને જિંદગીભર;
ત્યારે પ્યાર એમને મારા પર જરાક આવ્યો.

હતી એમના મિલનની આશ ઘણી નટવરને;
હસતા રમતા હળતા ભળતા ફિરાક આવ્યો.

[ફિરાક= વિયોગ; સંદર્ભ ગુજરાતી લેક્સિકોન.]

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું