રવિવાર, 5 એપ્રિલ, 2015

રમખાણ છે...

જે કંઈ છે એ સૌ લાગણીનું રમખાણ છે;
ક્યાંક છે એ અખૂટ,ક્યાંક એની તાણ છે.

ઘરમાં એક આયનો રાખ્યો છે દિવાલે;
કોઈને નહીં,  એને મારી ઓળખાણ છે.

ઇશ્ક પ્રેમ ચાહત મુહબ્બત શું છે યાર?
અજાણ્યા શ્વાસનું એક અતૂટ જોડાણ છે.

ઘાયલ થવાનું મારું તય હતું પહેલેથી;
એની માસૂમ નજરમાં ધનુષ-બાણ છે.

કિનારે કેવી રીતે પહોંચાશે કોણ જાણે?
તુફાની સાગર અને કાગળનું વહાણ છે.

જરા નથી યાદ આવતું મને હું કોણ છું?
ને મન મારું એની યાદમાં રમમાણ છે.

વાંચી શક્યો પણ જાણી ન શક્યો એ હું;
હાથની લકીરમાં ભાવિનું જે લખાણ છે.

વ્યાજ તો હવે એનું શું મળશે નટવર?
જે કંઈ છે એ ફકત શબ્દોમાં રોકાણ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું