રવિવાર, 5 એપ્રિલ, 2015

ખાળી ન શકાય...

હોય કેટલાક ગમ એવા, આંસુંમાં ઓગાળી ન શકાય;
વચનો આપ્યાં એવા એમણે કદી ય પાળી ન શકાય.

ક્યાં સુધી મારા ઇશ્કની અવહેલના કરતા રહેશે એઓ;
સત મારા ઇશ્કનું છે જ એવું,   ટાળ્યું ટાળી ન શકાય.

દાઝ્યો જે હોય  દિલનો એ ગામ આખાને સળગાવે;
ન સમજે એ,   સુકા ભેગું લીલું કદી બાળી ન શકાય.

ધીરે ધીરે એઓ કહેતા રહ્યા એમ થતો ગયો હું પણ;
અને એમનાંથી મારા બીબાંમાં ખુદને ઢાળી ન શકાય.

રસ્તો ઘરથી મયખાનો છે કઠિન એમ તો ઘણો યાર;
તો ય લડખડાતા ચરણ મારા પાછાં વાળી ન શકાય.

કેટલાક જખમો હોય છે એવા જે થઈ જાય મનગમતાં;
જખમ તો જખમ જ છે, જાહેરમાં એ પંપાળી ન શકાય.

ભલે ભગવાન તો રહ્યો કણ કણમાં હર જગા હર ઘડી;
ધોખો આપણી નજરનો,આપણાથી એ ભાળી ન શકાય.

કેટલીય વાર નક્કી કર્યું છે નટવરે પણ કે ન લખવું કદી;
જે ઊભરો આવે અંદર અંદર એ ખાળ્યે ખાળી ન શકાય.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું