રવિવાર, 5 એપ્રિલ, 2015

જરૂરી તો નથી...

મારા ઇશ્કની એમને થાય અસર એ જરૂરી તો નથી;
એ રહે બેઅસર તો હું ય કરું કસર એ જરૂરી તો નથી.

ટીલા ટપકાં કરી હાર ચઢાવી પૂજા ભલે થાય એની;
પ્રભુ જેવો પ્રભુ પણ થાય પથ્થર એ જરૂરી તો નથી.

સર -એ- રાહ ચાલતા ચાલતા હાથ છૂટી પણ જાય;
તો ય અધૂરી રહે જિંદગીની સફર એ જરૂરી તો નથી.

મને તો ઇંતેજાર રહે છે એમના પ્રેમભર્યા એક ખતનો;
ભલે મળે કોરો,હોય એમના અક્ષર એ જરૂરી તો નથી.

ગનીમત છે અલપઝલપ એઓ યાદ કરે મને ક્યારેક;
ને એઓ કરે મને યાદ આઠો પ્રહર એ જરૂરી તો નથી.

પીવું હોય તો જામથી ગટ ગટ પી શકાય છે એમ તો;
આંખોથી પીઓ તો થાય વધુ અસર એ જરૂરી તો નથી.

મારી કવિતાની હર પંક્તિમાં રહે છે એઓ હાજરાહજૂર;
એમનાં ઉલ્લેખ વિના લખું હર બહર એ જરૂરી તો નથી.

દિલ મોટું હોવું જોઇએ નટવર આ જીવન જીવવા માટે;
અને છેવટે તનથી હોય મોટી કબર એ જરૂરી તો નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું