રવિવાર, 5 એપ્રિલ, 2015

સ્વીકાર...

ભલે કોઈ એ જાહેરમાં ન કરે કદી સ્વીકાર;
હર કોઈ હોય અહીં ખુદના રહસ્યના શિકાર.

ઇશ્ક અને ખુદા વચ્ચે ખાસ કોઈ ફેર નથી;
છે અસ્તિત્વ બન્નેનું તોય બન્ને રહે નિરાકાર.

સાચવીને ચાલવું પડે છે રાહ-એ-ઇશ્ક પર;
ડગમગે જરા કદમ તો આવી જાય વિકાર.

ન જાણે એ જ રમતા ભમતા દઈ જાય છેહ;
જેની આપણે સદા કરતા હોય બહુ દરકાર.

આંખો નિગોડી કહી દે સાચી વાત દિલની;
એમના હોઠો પર ભલે રમતો હોય ઇન્કાર.

દિલ તો દિલ છે, દિલની વાત દિલ જાણે;
બે નજર ચાર થતા બદલાય એના ધબકાર.

તું ય નાહકનો કોના પર હક કરે છે નટવર?
તારો ખુદ પર પણ ક્યાં છે કોઈ  અધિકાર?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું