રવિવાર, 15 માર્ચ, 2015

દરાર...

રાત પૂરી થાય છે અને પડતી નથી સવાર;
હવે કેમ એવું થયા રાખે છે અવાર નવાર?

એક આંખમાં ઊગે તો એક આંખમાં આથમે;
ગમવા લાગ્યો છે હવે આ એકધારો અંધકાર.

સુંવાળો સાથ જો મળી જાય એનો જિંદગીમાં;
સીધી સાદી જિંદગી બની જાય એક તહેવાર.

મારા લખેલ દઈ ગયા,એમના એ લઈ ગયા;
બરાબર સાચવી લીધો એમણે પણ વહેવાર.

નવી મુરત બનાવે માનવ, બનાવેલ એ તોડે;
બિચારો ખુદા ય હવે કેવી રીતે બને નિરાકાર?

આદત પડી ગઈ છે સપનાં જોવાની હવે એક;
બસ એક જોવાનું બાકી રહ્યું છે જે થાય સાકાર.

કહેવાનું કહી નથી શકતો મળે રૂબરૂ જ્યારે એ;
કહી દઊં છું એ જ વાત હું કવિતાઓમાં ધરાર.

કેટલાંક સંબંધો ય હોય છે એવા નાજુક નટવર;
સાચવતા સાચવતા પડી જાય છે એમાં દરાર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું