રવિવાર, 8 ફેબ્રુઆરી, 2015

છોડી દે...

તાજ છોડી દે, તખત છોડી દે;
મિથ્યા છે, આ જગત છોડી દે.

દામ દઈને જે મળે એ લઈ લે;
મળે જે જે સાવ મફત,છોડી દે.

ન જીતાય જિંદગી સાથે કદીય;
સતત ચાલતી લડત છોડી દે.

પ્રેમ તો પ્રેમ છે, પ્રેમ રહેવા દે;
એની બધી જ વિગત છોડી દે.

કોણ કોને વધુ ચાહે છે સનમ?
એવી સાવ ખોટી મમત છોડી દે.

એની પાસે પહોંચી જશે કદીક;
લખી હવામાં એ ખત છોડી દે.

કર મજબૂત સુંવાળા સંબંધોને;
સંબંધો હોય જે સખત, છોડી દે.

તુ એને યાદ કરે ગનીમત છે;
તને યાદ કરે ‘એ’ લત છોડી દે.

એ ક્યાં કોઈ જ ઉત્તર આપે છે?
આયના સાથે મસલત છોડી દે.

એમને સમય નથી તારા માટે;
તારો નથી, એ વખત છોડી દે.

હારવાનું જ નક્કી છે પહેલેથી;
નટવર હવે એ રમત છોડી દે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું