શનિવાર, 7 ફેબ્રુઆરી, 2015

મને કોઈ ઉગારો...

આ એકલતામાંથી મને કોઈ ઉગારો;
જેવો છું એવો જ મને કોઈ સ્વીકારો.

આયનાએય ઓખવાની ના પાડી છે;
નકાબને આયના પરથી કોઈ ઉતારો.

માણસ માણસ રમવાનું બંધ કરો હવે;
માણસ પણ બની ગયો  કોઈ ધુતારો.

ક્યાં જવું હવે, ક્યાંય ન જવું હવે કહો;
રાહ નથી બતાવતો મને કોઈ સિતારો.

નથી કોઈ ખબર એની,નથી કોઈ પતો;
સાચો નથી પડતો મારો કોઈ વરતારો.

તમારા અકળ અબોલા કરતા ભલી છે;
તમારી સાથે થતી કોઈ કોઈ તકરારો.

આખરી ઘડી,શ્વાસ છે છેલ્લા વિશ્વાસનાં;
હવે ન થાય પરિસ્થિતિમાં કોઈ સુધારો.

કંઈ નથી નટવરની આ કવિતાઓ યાર;
લીલીછમ લાગણીઓનો છે કોઈ ઉતારો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું