શનિવાર, 7 ફેબ્રુઆરી, 2015

ઓઝલ...

એવી રીતે થઈ ગયા છે આંખોથી એઓ ઓઝલ;
જતા જતા  કરી ગયા  બે આંખો મારી છલોછલ.

એમનો મુલાયમ સ્પર્શ પણ બહુ કમાલનો યાર,
હતો હું સાવ કથીર,થયો ગયો છું સોનલ સોનલ.

હસવાનું બહાનું નથી અને રડવાનું કારણ નથી;
ચહેરો ભલે હસતો રહ્યો, દિલ રહ્યું સદાનું રોતલ.

સાચવ્યા તો ય ન ટક્યા એ આંખોની અટારીએ;
ખરી પડ્યા, યાર, હોય છે આંસુંઓ પણ બોજલ.

સાકી, હવે બસ આંખોથી પિવડાવવું પડશે તારે;
છે ગળતું પયમાનું અને ફૂટી થઈ ગઈ છે બોટલ.

લાગે છે નવાઈ સૌને કેવી રીતે જીવતો રહી ગયો!
બાકી મેં ય ગટગટાવ્યું છે કાતિલ જુદાઈનું સોમલ.

કરવાની હતી બાદબાકી, કરવાનો હતો ભાગાકાર;
ત્યાં જિંદગીભર નટવર સદા કરતો રહ્યો છે ટોટલ.

[સોનલ=સોનાનું,  સોનેરી (સંદર્ભ=ગુજરાતી લૅક્સિકોન)]

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું