શનિવાર, 7 ફેબ્રુઆરી, 2015

કોઈક અભાવ...

એવા હાવભાવ છે, જાણે છે કોઈક અભાવ;
મારા માટે તો યાર,છે એ તાજો જ બનાવ.

બંધ છે બારણાં, બંધ છે બધી જ બારીઓ;
તો ય કેમ છે હવાની અહીં આ આવજાવ?

રોમ રોમ મારા હજુ પુલકિત થઈ રહ્યા છે;
કોઈના મુલાયમ સ્પર્શનો જ છે એ પ્રભાવ.

જિંદગી શું છે?આજ સુધી મને ન સમજાયું;
ખરેખર તો  સુખ દુઃખની છે એક ધૂપછાંવ.

જ્યારથી એઓ રિસાઈ ગયા છે મારી સાથે;
મારી ખુદ સાથે થઈ ગયો મને અણબનાવ.

મારા જખમની દવા કરવાનું તમે રહેવા દો;
અંગતની સંગતથી જે મળ્યા તાજા છે ઘાવ.

ધીરે ધીરે રોજ મને એ થોડો બદલતા રહ્યા;
ને હવે હું સાવ બદલાય ગયો છે એની રાવ.

કેવી રીતે કિનારે પહોંચશે? નથી જાણતો હું;
રેતના સમંદરમાં ફસાઈ છે જિંદગીની નાવ.

ઉદાસી જતી નથી અને ખુશી આવતી નથી;
બન્ને સાથે નટવરને છે ભવોભવનો લગાવ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું