શુક્રવાર, 26 ડિસેમ્બર, 2014

થવાય નહીં...

રહી દુનિયામાં કોઈ સંબંધથી પર થવાય નહીં;
પ્રભુ પણ પ્રભુ છે, એનાથી પથ્થર થવાય નહીં.

ચાર દીવાલો, એક છત જરૂરી છે મકાન માટે;
તો ય હર મકાનથી એમ કદી ઘર થવાય નહીં.

છત્રી રેઈનકોટ લઈ નીકળી પડે રોજ ઘરેથી;
એવા અરસિક શખ્સથી તરબતર થવાય નહીં.

કેટલીક પળ જિંદગીભર એવી જ રહી જાય છે.
એનાથી કદી ઉજવણીનો અવસર થવાય નહીં.

આયનો રોજ મને જોયા રાખે છે ને કહ્યા રાખે;
એની અંદર ભલે છું, એની ભીતર થવાય નહીં. 

થતા થતા હું તો થઈ ગયો જિંદગીભર જેમનો;
દોસ્ત, એમનાથી જ મારા અકસર થવાય નહીં.

એક વણપૂછાયેલ સવાલ બની છે ગયો નટવર;
હાય રે કિસ્મત,એનાથી હવે ઉત્તર થવાય નહીં.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું