શનિવાર, 6 ડિસેમ્બર, 2014

શાયદ...

એઓ પણ ક્યારેક મને યાદ કરતા હશે શાયદ;
ને એમનાં ભાગ્યને ફરિયાદ કરતા હશે શાયદ.

વસમી તન્હાઈનો એવો હશે એમનો ય આલમ;
પ્રિય આયના સાથે એ સંવાદ કરતા હશે શાયદ.

જેવી રીતે ખલાસ કરી મેં જિંદગીને ઇંતેજારમાં;
મારી રાહમાં જીવન બરબાદ કરતા હશે શાયદ.

મને કદી ય ન મળવાનું કહીને છુટા પડ્યા હતા;
હું ફરી મળી જાઉં એવી મુરાદ કરતા હશે શાયદ.

કેટલી ય વાર જાગી ગયો છું રાતે, મધરાતે હું;
ચૂપકીથી એઓ  મને જ સાદ કરતા હશે શાયદ.

ગણિત જિંદગીનું બદલાય ગયું હશે એમનું હવે;
એક પછી એક સંબંધને બાદ કરતા હશે શાયદ.

મારી કમી એમને ગમી હતી, ને નજર નમી હતી;
મારા પક્ષે સખીઓ સાથે વિવાદ કરતા હશે શાયદ.

મારી યાદમાં આવતા અશ્રુ પણ જરૂર મધુર હશે;
પાવન નેત્રજળનો એઓ સ્વાદ કરતા હશે શાયદ.

અહિંયાં મારી ગઝલની હું રજૂઆત કરી રહ્યો છું;
જોજનો દૂર એ દાદ પર દાદ કરતા હશે શાયદ.

વાદળોનો કે આંસુંઓનો ભરોસો ન થાય નટવર;
કમોસમ એય અશ્કનો વરસાદ કરતા હશે શાયદ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું