શનિવાર, 6 ડિસેમ્બર, 2014

માનો યા ન માનો...

બધે જ થોડીક ખેંચતાણ છે,  માનો યા ન માનો;
લાગણીની ય થોડી તાણ છે, માનો યા ન માનો.

એઓ મને સાવ વીસરી ગયા, ભલે વીસરી ગયા;
હું એમને ભૂલું એવું દબાણ છે, માનો યા ન માનો.

છે તુફાની સમંદર ને ઉપરથી રિસાયેલ ખલાસી;
મધદરિયે જિંદગીનું વહાણ છે, માનો યા ન માનો.

એમ તો છે યાર, એ સાવ નાનકડી મુઠ્ઠી જેવડું જ;
તોય દિલ ભાવનાની ખાણ છે, માનો યા ન માનો.

એમની બે પાણીદાર આંખો મેં વારંવાર વાંચી છે;
હર કવિતાઓનું ત્યાં લખાણ છે, માનો યા ન માનો.

ઇશ્કમાં અવદશાની નથી કરતો હું ફરિયાદ ખુદાને;
એનો પણ એ વિશે તો જાણ છે, માનો યા ન માનો

કહેવા જેવું હોય તો જરૂર કહી દીધું હોત  જાહેરમાં;
નામ એનું ન લેવાની આણ છે,માનો યા ન માનો;

શું છે નટવરની આ નાહક કવિતા? નાહકની નજમ;
થોડા હસીન ખયાલોની લહાણ છે,માનો યા ન માનો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું