શનિવાર, 6 ડિસેમ્બર, 2014

...નથી કરતો

ન સમજાય એમાં હું ચંચુપાત નથી કરતો;
પાંચમાં પૂછાઉં છું,પણ પંચાત નથી કરતો.

એમને બહુ શિકાયત છે હું કંઈ કહેતો નથી;
કહેવા જેવું છે ઘણું, હું એ વાત નથી કરતો.

અંતમાં જુદાઈ જો લખી હોય પ્રેમકહાણીમાં;
એવી કહાણીની હું પણ શરૂઆત નથી કરતો.

જે મહેફિલમાં ફક્ત વાહ વાહ કરનારા હોય;
ત્યાં દિલની હકીકત હું રજૂઆત નથી કરતો.

મળતો રહ્યો છું હર કોઈને દોસ્ત, એમ તો હું;
બસ ખુદ સાથે જ કદી મુલાકાત નથી કરતો.

માન ન માન દોસ્ત ક્યારેક તો સાચા પડશે ;
કોઈ સપનું ન આવે એવી રાત નથી કરતો.

પ્રહાર ખમવાની આદત પડી ગઈ હવે એવી;
આઘાત બરાબર કદી પ્રત્યાઘાત નથી કરતો.

અણમોલ હોય ક્યારેક આવતા આંસુંઓ દોસ્ત;
ખૂબ સાચવીને રાખું, એની ખેરાત નથી કરતો.

જીતવું જ હોય તો દિલને જીતવું રહ્યું નટવર;
વર્ના હું પણ કદીય કોઈને મહાત નથી કરતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું