શનિવાર, 6 ડિસેમ્બર, 2014

દીવાનગી...

ખાસ ખાસ વાત મારી રહી  ન શકી હવે કંઈ ખાનગી
દુનિયાભરમાં મશહૂર થઈ ગઈ છે મારી ય દીવાનગી.

છે એમની એવી ઘણી ય વાતો મને બહુ ગમે એવી;
અને એમાં ય બહુ દિલ લુભાવન છે એમની સાદગી!

લો, સનમ પણ મારા થઈ ગયા છે હવે બહુ હોશિયાર;
મારું દિલ તોડવા પહેલાં માગે છે એ મારી પરવાનગી.

આવ્યા એઓ ખબર લેવા મારી તો આવી છે રોનક;
ઉપરથી કહે એમને મળવાનું બહાનું છે મારી માંદગી.

ખાય એ પણ પસ્તાય છે,  ન ખાય એ પણ પસ્તાય;
યારા! આ કમબખ્ત ઇશ્ક પણ છે એક એવી વાનગી.

એમનાં અકળ અબોલા ય લાગે છે હવે મને પ્યારાં;
બસ નથી પસંદ આવતી મને એમની આ નારાજગી.

પહોંચી નથી શકાતું ને એમ તો મંજિલ છે આસપાસ;
મારે તો ખુદને છોડીને પહોંચવું છે બસ એમનાં લગી.

લાખ લાખ લોકમાં ય મને ખુદથી અલગ કરી ગઈ;
સનમ,મારી જિંદગીમાંથી તમારી અણધારી રવાનગી.

એમને ખયાલમાં રાખી લખતો રહ્યો હરદમ નટવર;
એટલે જ તો હોય છે એની હર નજમમાં એક તાજગી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું