મંગળવાર, 16 સપ્ટેમ્બર, 2014

અજાણી છે...

હકીકત મારાં અશ્કની અહીં ઘણાથી અજાણી છે;
સમજાય તો પવિત્ર સરવાણી,નહીંતર પાણી છે.

હસતા હસતા રડી પડે, રડતા રડતા હસે એ તો;
આખા વિશ્વમાં, આ માનવ એક વિચિત્ર પ્રાણી છે.

એક પછી એક પ્રકરણો પુરા કર્યા ત્યારે જાણ થઈ;
કમબખ્ત આ જિંદગાની ય એક અધૂરી કહાણી છે.

ઘણી વાર થયું, કહી દઊં વાત દિલની મહેફિલમાં;
જવા દે યાર, સાચે સાચી વાત કહેવામાં હાણી છે. 

ઇશ્કની વાત અનોખી, ઇશ્કની અસર છે અનોખી;
જેણે ન કર્યો કદી ઇશ્ક,જીવતર એનું ધૂળધાણી છે.

ભલભલાં કપરાં કષ્ટ પણ પિસાઈ જાય છે એમાં;
હર ઘડી ફરતું સમયનું ચક્ર એક અદ્ભુત ઘાણી છે.  

શું છે નટવરની કવિતાઓ, રોજેરોજના કવનો?
કંઈ નથી,બસ થોડા હસીન ખયાલોની ઉજાણી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું