મંગળવાર, 16 સપ્ટેમ્બર, 2014

દિલની વાતો...

કોને કરું હું હવે દિલની વાતો?
નથી કોઈ સાથે દિલનો નાતો.

હર કોઈ ફરે છે પહેરી મુખવટો;
આદમી આજે  નથી પરખાતો.

ચોરાઈ ગઈ મારા શહેરની હવા;
પહેલાં જેવો પવન નથી વાતો.

દિન તો વીતે છે તને યાદ કરી;
વિતાવું કેવી રીતે લાંબી રાતો?

આંખ બંધ કરું રાખું હું એ ખૂલી;
નજર આવે છે ચહેરો મદમાતો.

રૂબરૂ ન મળ,  વાંધો નથી કોઈ;
સપનામાં કર થોડીક મુલાકાતો.

કોણ છું હું? શું કહું સનમ તને?
હું કદીક મને જ નથી સમજાતો.

હાથે કરી હારી ગયો છું હું પણ;
બાકી એમ તો છું હુંય ચડિયાતો.

સાચવી સાચવીને જે ડગ માંડે;
એ હર ડગલે વધુ ઠોકર ખાતો.

તન્હાઈનો આ કેવો આલમ છે?
હર ખયાલ મૌન બની પડઘાતો.

નટવર તો છે જ એવો પહેલેથી;
આંસુ સાથે આંખમાં એ હરખાતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું