મંગળવાર, 16 સપ્ટેમ્બર, 2014

પ્રયત્ન...

કરું છું પૂરો પ્રયત્ન હું તો તારા દિલથી દૂર જવાનો;
પણ રોકી દે મને ઝોકો તને સ્પર્શીને વહેતી હવાનો.

દુઆ કરવાની ઘડીએ દુઆ જ કરવી પડે છે દોસ્ત;
જે ઘટિત છે એ ઘટશે,ન કર વિચાર તું હવે દવાનો.

ભગવાન તેં એને બનાવ્યો, હવે એ તને બનાવે છે.
આ કમબખ્ત માણસ કદી માણસ જેવો ન થવાનો.

બહુ સાચવી સાચવીને હર ડગર માંડતો રહ્યો છું હું;
તો ય હતી જ ખબર મને, હર ડગર પર પડવાનો.

સાકી, પ્યારી સાકી, જ્યાં સુધી તું આંખોથી ન ભરે;
જિંદગીનો ખાલી પયમાનો તારી પાસે હું ધરવાનો.

આયનો ય મારા ઘરનો સાવ કઠારો થઈ ગયો છે;
જ્યારે જોયું એના ભણી,મારી સાથે તો એ લડવાનો.

થતા થતા થઈ જાય છે ઇશ્ક હર કોઈને એક વાર;
એ જ ઇશ્ક જિંદગીભર હર ઘડી, હર પળ નડવાનો.

તુ એ માને યા ન માને, તુ એ ચાહે ન ચાહે સનમ!
આ જિંદગીમાં જીવતેજીવ હું તારા પર જ મરવાનો.

એક આદત થઈ ગઈ છે,દોસ્ત,કોઈ વાંચે ન વાંચે;
લખતો આવ્યો છે નટવર,એ નફ્ફટ તો લખવાનો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું