મંગળવાર, 16 સપ્ટેમ્બર, 2014

હરદમ યાદ કર...

ક્યાં તો મને સદંતર વીસરી જા,ક્યાં હરદમ યાદ કર;
રહી સદા અવઢવમાં ખુદને ન તું આમ બરબાદ કર.

મારી યાદમાં વહી નીકળે છે તારી મલાખી બે આંખો;
ચાખી જો એ આંસુઓ, ગળ્યા હશે, એનો આસ્વાદ કર.

દેર છે અંધેર નથી, તને ય કદીક ન્યાય તો મળશે જ;
જા,  ખુદા પાસે જઈને થાય એટલી મારી ફરિયાદ કર.

તારા દિલમાં જ ક્યાંક સંતાયો છું હું, તને જાણ નથી;
જો, આવી જઈશ તારા સપનામાં હું, મને તું સાદ કર.

લાખો નિરાશામાં ફકત એક જ અમર આશા છુપાઈ છે;
પુરી થઈ જશે એય,દિલથી સનમ,મળવાની મુરાદ કર.

એમ જ હું તો મરી જઈશ,રોજ તારા પર મરતા મરતા;
કાં તારી આંખોની,કાં દિલની કેદમાંથી,મને આઝાદ કર.

નામ તારું છે એમ તો રળિયામણું,સોહામણું,મોજીલું;મસ્ત;
એ નામ પાછળ લગાવી નામ મારું, મને તું આબાદ કર.

સાવ કોરો કોરો રહી જાઉં હું તો વરસતી વર્ષાના જળથી;
મારા શિર પર પાલવ ઓઢાડી તારા સ્નેહનો વરસાદ કર

નટવરની નાહક કવિતાઓ,નટવરના કવનો તારા જ છે;
નટખટ નટવર વિશે તારી સખીઓ સાથે કદી સંવાદ કર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું