બુધવાર, 2 જુલાઈ, 2014

ભગવાનને...

હું ભગવાનને બહુ માનતો નથી, એટલે એ મારું માને;
એણે જ બનાવેલ અદનો ઇન્સાન છું, મને એ પહેચાને.

એક દીપક પ્રગટાવી આવ્યો છું ખુદા તારી મસ્જિદમાં;
શહેરમાં શું થશે એ ચિંતા છે મારા કરતા વધુ દીવાને.

છે બહુ કોલાહલ શોરબકોર મંદિર અને મસ્જિદમાં યાર;
ભાગ્યો ત્યાંથી, એનાથી તો છે વધારે નિરાંત મયખાને.

રોકડેથી પિવડાવ કે ઉધાર, સાકી, આંખોથી તુ કર ધાર;
પીવું છે મારે તો તારી પાસે ઓ સાકી, કોઈ પણ બહાને.

રૂબરૂ મળે કદીક તો ઝુકાવી નજર ફેરવી લે મોં એઓ;
એમનાં સપનાંમાં ઓળઘોળ થઈ એ જ મને છે સન્માને.

સાવ જ ધરમૂળથી બદલાય ગયો છું હું પણ દોસ્ત હવે
;
જ્યારથી જોયો એમની મસ્ત આંખોમાં મેં મારા ચહેરાને.

દિલ તો સહુનું બાળક જેવું છે, એ તોફાન તો કરવાનું જ;
કરે ક્યારેક મસ્તી તો એની એટલી ધાંધલ ધમાલ શાને?

એમની નજરબંધીમાંથી નીકળવાનુ આસાન નથી નટવર;
મારી આસપાસ ચોપાસ ફેલાવ્યો છે એણે એમનાં પહેરાને.
 

1 ટિપ્પણી:

  1. દિલ તો સહુનું બાળક જેવું છે, એ તોફાન તો કરવાનું જ;

    કરે ક્યારેક મસ્તી તો એની એટલી ધાંધલ ધમાલ શાને?

    વાહ ...ખુબ સરસ

    જવાબ આપોકાઢી નાખો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું