બુધવાર, 2 જુલાઈ, 2014

શું થશે?

તમે ન આવશો મારા સુહાના સમણાનું શું થશે?
કદી બંધ કર્યા નયનોનાં બે બારણાંનું શું થશે?

વખત કવખત વહે તમારી યાદમાં સાવ અચાનક;
હું જો ડૂબી જઈશ તો આંસુનાં એ ઝરણાનું શું થશે?

બહુ આશ સાથે ધર્યું હતું જીવન સાગર તરવા મેં;
કિનારે ડુબાડી ગયું એ યાદનાં તરણાનું શું થશે?

તમને યાદ કરતા કરતા વીસરી ગયો હું કોણ છું?
સાચવી રાખ્યા જે દિલમાં એ સંભારણાનું શું થશે?

તમે તો મારા જ છો એમ માની જીવી રહ્યો છું હું;
સાચી ખોટી જેવી છે એવી મારી ધારણાનું શું થશે?

ઇશ્ક ધરમ, ઇશ્ક કરમ, ઇશ્ક જ છે વિશ્વમાં પરમ;
દેશો દગો તમે તો મારી એ બંધારણાનું શું થશે ?

ઇશ્ક અગમ, ઇશ્ક નિગમ, ઇશ્ક છે વિશ્વમાં ચોગમ;
તમારા વિના ઇશ્ક વિશેની આ વિચારણાનું શું થશે?

ઇશ્ક જખમ, ઇશ્ક મલમ, ઇશ્ક ગરમ, ઇશ્ક નરમ;
જો ઇશ્ક જ ન હશે તો સમાજ સુધારણાનું શું થશે?

આંસું સીંચી સીંચી સળગતું રાખ્યું છે દિલમાં મારા;
મારા-તમારા સ્નેહનાં એ હૂંફાળા તાપણાનું શું થશે?

મને આયનો મારો નહીં તમારો ચહેરો જ બતાવે છે;
મારા દર્પણની આ મનગમથી પ્રતારણાનું શું થશે?

તમારી રાહમાં, તમારા જ ઇંતેજારમાં છે બેચેન સહુ;
મારું ગામ, મારું ઘર, એના સુના આંગણાનું શું થશે?

શોધતા રહ્યા જંગલ જંગલ ભટકી કસ્તૂરીને એઓ;
હતી ખુદમાં ને ખોળી ન શક્યા હરણાનું શું થશે?

છે અધૂરો નટવર તમારા વિના અને રહેશે અધૂરો;
તમે ન સુધારશો તો આ મસમોટી મણાંનું શું થશે?

[નિગમ = ઈશ્વર; પ્રભુ; મણાં=ઓછપ; ઊણપ; બાકી; ન્યૂનતા; ખોટ; ખામી (સંદર્ભઃ ગુજરાતી લેક્સિકોન)]

1 ટિપ્પણી:

  1. khub saras.....

    શોધતા રહ્યા જંગલ જંગલ ભટકી કસ્તૂરીને એઓ;

    હતી ખુદમાં ને ખોળી ન શક્યા એ હરણાનું શું થશે?

    જવાબ આપોકાઢી નાખો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું