શુક્રવાર, 4 જુલાઈ, 2014

ખતા...

કોણ જાણે મારાથી ય શું થઈ ગઈ કોઈ ખતા;
આખરી વેળા ફરીને ન જોયું એણે જતા જતા.

જે છે સાથે છે એ પાસે નથી તો ક્યાં શોધું હું?
ખુદમાં ખુદને શોધતા ખુદ થઈ ગયો લાપતા.

ન માંગ્યું તો ય આપી દીધું મેં એને મારું દિલ;
નથી બચી મારી પાસે હવે કોઈ કિંમતી મતા.

જોઈને મને ખોવાઈ ગયું હતું શાન ભાન એનું;
વીંટાય હતી મને જેમ થડને વીંટાય સ્નેહલતા.

ક્યારેક મળ્યા હતા અમે ડૂબતા સૂરજની સાખે;
ધબક્યા હતા દિલ સાથે,  ते हिनो दिवसो गता:|

હતી ખબર કે અંજામ-એ-ઇશ્ક તો જુદાઈ જ છે;
કરતા રહ્યા, ફરમાવતા રહ્યા અમે ય ઇશ્ક છતાં.

શ્વાસ લેવાને છોડવાને જ જો જીવન કહેવાય તો;
હું ય શ્વાસોશ્વાસ લઈ રહ્યો છું બસ હપતા હપતા.

એમ તો ઘણું લખ લખ કર્યા રાખ્યું અહીં તહીં મેં;
એના વિશે હું કંઈ લખું, નથી એવી મારી ક્ષમતા.

હોય દરદ દિલમાં,હોય થોડા રેશમી જખમ નટવર;
તો લખાય નજમ, નથી લખાતી એ રમતા રમતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું