શનિવાર, 14 જૂન, 2014

ધીરે ધીરે...

છવાય રહ્યો છે રુઆબ ધીરે ધીરે;
ને ઊઠી રહ્યો છે નકાબ ધીરે ધીરે.

છે મજબૂત પહેરો તીક્ષ્ણ કટકોનો;
ખીલી  રહ્યું છે ગુલાબ ધીરે ધીરે.

ઘણી ભૂલો રહી કારોબાર-ઇશ્કમાં;
કરી રહ્યો છું હું હિસાબ ધીરે ધીરે.

ભલે બંધ હું રાખું આંખો કે ખૂલી;
આવશે એમનું જ ખ્વાબ ધીરે ધીરે.

જામ એમની નજરના છલકાયા છે;
પી રહ્યો છું હું ય શબાબ ધીરે ધીરે.

કોઈક એ સાંભળતું નથીને સનમ?
આપશો તમે પણ જવાબ ધીરે ધીરે.

અગાશીમાં  ન જશો પૂનમની રાતે;
શરમાય જશે  માહતાબ ધીરે ધીરે.

ખરી મજા જો લેવી હોય પીવાની;
તો યાર, પીઓ શરાબ ધીરે ધીરે.

છું મુફલિસ, સાથ તમારો મળે તો;
થઈ જઈશ હું ય નવાબ ધીરે ધીરે.

મને તમને ડુબાડીને જ રહેશે હવે
;
વહે છે આંસુનો સૈલાબ ધીરે ધીરે.

ઇશ્કમાં એ હાલત થઈ ગઈ મારી;
મળ્યો પાગલનો ખિતાબ ધીરે ધીરે.

એક પછી એક શેર સૂઝે છે નટવર;
થઈ જશે એની ય કિતાબ ધીરે ધીરે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું