શનિવાર, 14 જૂન, 2014

આવશે...

ખબર જ હતી કે હાથમાં મારા ખાલી જામ આવશે;
ને પછી મેં જ એ ખાલી કર્યું એવો ઇલ્જામ આવશે.

બહુ કરી છે કોશિશ મેં આંખો બંધ કરીને હરેક રાત;
પણ કમબખ્ત એના સપનાંઓ તો સરેઆમ આવશે.

થતા થતા થઈ ગયો ઇશક ત્યારે એ જાણ ન હતી;
ખુદથી અજાણ્યો થઈ જઈશ એવો મુકામ આવશે.

મારી દુર્દશા વિશે એમણે ય કદી ન રસ ન દાખવ્યો;
શાયદ એ જાણતા હશે કે એમનું નામ આવશે.

મારી કવિતા સાચવીને રાખશો યાર દિલમાં તમારા;
હું જ્યારે ન રહીશ તો મને યાદ કરવા કામ આવશે.

ફક્ત ચાર જ જણની જરૂર હતી અવલ મંજિલે જવા;
તી ખબર મને તારનાર મારનાર તમામ આવશે.

સંઘરી રાખી છે કેટલીક સુંવાળી લાગણીઓ દિલમાં;
ક્યારેક તો દોસ્ત, એનાં ય યથાયોગ્ય દામ આવશે.

હવે એ તય થઈ ગયું છે નટવર કે ચેન ક્યાંય નથી;
બસ એકવાર કબરમાં સુતા પછી જ આરામ આવશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું