શનિવાર, 14 જૂન, 2014

છું...

હું જ વાદી છું, પ્રતિવાદી છું;
દોસ્ત,હું જ મારો ફરિયાદી છું.

મારી કેટલીક મર્યાદાઓ છે;
સીધો સાદો, હું મરજાદી છું.

એમણે દૂર કર્યો દિલમાંથી;
એમને માટે હું બરબાદી છું.

વાંચી ન શક્યા એ ચહેરાને;
બાકી વાત હું સીધી સાદી છું.

ઊજળી ગયું છે જેનું વતન;
એની જ હું પણ આબાદી છું.

મૌન રહીને કહું છું હું ઘણું;
ખોટું સમજે સૌ, વિવાદી છું.

ઇશ્ક ખુદા,ઇશ્ક જ મજહબ;
ઇશ્ક ફરમાવવા હું આદી છું.

સાચવીને રમશો એની સાથે;
દિલથી હું બહુ તકલાદી છું.

કોઈની યાદમાં ખોવાયેલ રહું;
હા, થોડો થોડો હું પ્રમાદી છું!

એક બારી ખોલવાની રાહ છે;
ભલે લોકો કહે, હું તકવાદી છું.

આશીર્વાદ છે મા સરસ્વતીનાં;
એમની કૃપાની હું પ્રસાદી છું.

લખીને એ ભૂલી ગયા નટવર;
ભૂલાય ગયેલ હું એક યાદી છું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું