શનિવાર, 14 જૂન, 2014

વરસાદમાં...

હવે ખાસો ફેર પડી ગયો છે મારા વિષાદમાં;
જ્યારથી તરબતર ભીંજાયો છું હું વરસાદમાં.

ઘરમાં ન સજાવ્યો,દિલમાં ય ન મને વસાવ્યો;
હુંય જિદ્દી,બરાબર વસી ગયો હું એની યાદમાં.

રૂબરૂ જ નહીં સપનાંમાં પણ મળે એ સાચવીને;
શાયદ ડર છે ભીંસી ન દઉં એને હું ઉન્માદમાં.

એણે કહ્યું કંઈક કહો,કંઈક લખો એના માટે ખાસ;
બસ થોડી કવિતા લખી લાગણીના અનુવાદમાં.

તેં આપેલ ગમ સનમ, ધીમે ઓગળી રહ્યા છે;
ખારાશ પણ ઓછી થઈ ગઈ આંસુનાં સ્વાદમાં.

ધ્યાન દઈ સાંભળ્યો જ્યારે પંખીઓનો કલરવ;
ખુદ ખુદાનો મંજુલ સ્વર સંભાળ્યો એ નિનાદમાં. 

માંગ માંગ માંગે એ આપું એમ કહ્યું પ્રભુએ મને;
પાવન પ્રેમ એમનો માંગી લીધો મેં તો પ્રસાદમાં.

હું તને વધારે પ્રેમ કરું કે તું મને કરે એથી વધારે;
મારે નથી વેડફવો કિંમતી સમય ખોટા વિવાદમાં.

કહેવાનું હતું એ જ ન કહી શકયો નટવર એમને;
આ શબ્દો, આ કવનો ન કામ આવ્યા લવાદમાં.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું