શનિવાર, 14 જૂન, 2014

અલવિદા...

જતા જતા એવી રીતે એમણે કહ્યું મને અલવિદા;
જિંદગી આખી એમનાં ઇંતેજારમાં કરી દીધી ફિદા.

બહુ સાચવીને સંતાડી છે પાંપણોની પરિસીમામાં;
કેટલાં ય બહુમૂલ્ય સપ્તરંગી સપનાઓની સંપદા.

સાથ એમનો જો સાત ડગલા મળી ગયો હોત મને;
તો રાહ-એ-જિંદગી એકલાં ચાલવાની નથી વિપદા.

કરજ-એ-ઇશ્ક કઈ રીતે ચૂકવવા નો'તી ખબર મને;
મેં તો જ્યાં જ્યાં ચરણ એના પડ્યા ત્યાં કર્યા સજદા.

ન જાઉં હું મંદિરે,ન મસ્જિદે ન તો કદી કોઈ દેવળે;
છે આદત મારી, હું તો હર ઇન્સાનમાં નિહાળું ખુદા!

એવી મહેફિલમાં જવું ન જવું શું ફેર પડે યાર મારા;
જ્યાં સહુ વાહ વાહ તો કરે,ન સાંભળે દિલની સદા

આ જિંદગીમાં એવા એકાદ સંબંધ તો જરૂર હોય છે;
થઈ જાય ભલે એ અલગ, દિલથી નથી થતા જુદા.

ધીરેથી હાથ છૂટી જશે,યાદ પણ મટી જશે નટવર;
સાચવ્યા છે થોડા શબ્દો એ જ સાથ આપશે સર્વદા.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું