શનિવાર, 14 જૂન, 2014

તરસે છે...

દરિયો છલોછલ છલકાય તો ય તરસે છે;
એથી જ તો નદી દરિયાને મળવા ધસે છે.

આ માણસ પણ યાર બહુ વિચિત્ર પ્રાણી છે!
જણાવા નથી દેતો એ દિલમાં કોણ વસે છે!

આંસુની કિંમત ત્યારે જ સમજાય, દોસ્ત !
જ્યારે ભીની આંખે મહેફિલમાં કોઈ હસે છે.

આપણી જિંદગી ય આપણી ક્યાં છે  યારા?
હર કોઈ અહિં તો બીજાના માટે જ શ્વસે છે.

કેવી રીતે બચી શકે કોઈ એ મોહપાશમાંથી;
જ્યારે કોઈ નશીલી  નજરના દોર કસે છે.

એક દિ તો હું અને તું મળી જ જઈશું,સનમ;
ધરતીના ખંડો ય એકબીજાની નજીક ખસે છે.

છવાય તો છે તારા જુલ્ફનું વાદળ રોજબરોજ;
તો ય મારી છત પર ક્યાં કદી એ વરસે છે?

નથી એ ચેનથી જીવી શકતો, ન મરી શકે;
જેને ફણીધર તન્હાઈના એક વાર ડસે છે.

કેવું છે નસીબ નટવર, તારું પણ કોણ જાણે?
જેનાં માટે લખે, એનું ધ્યાન બીજે જ કશે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું